નથી કાંઈ અવધિ, નથી કાંઈ અવધિ, પ્રભુ તારા પ્રેમને, નથી કાંઈ અવધિ
રહ્યા છો સદા વરસાવતા ને વરસાવતા, જગ ઉપર તમારા પ્રેમની હેલી
વિચારોના તરંગો તમારા, રહ્યા છે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ સ્તરને ભેદી
રહ્યા છો અજવાળતા આ જગને, નથી કાંઈ તમારા તેજને તો કોઈ અવધિ
ભાવથી રહ્યા છો સહુનાં હૈયાં જીતતા, નથી તમારા ભાવને તો કોઈ અવધિ
વરસાવતા રહ્યા છો જગ પર સદા કૃપા, નથી તમારી કૃપાને તો કોઈ અવધિ
આનંદસ્વરૂપ રહ્યા છો તમે પ્રભુ, નથી તમારા આનંદને તો કોઈ અવધિ
પહોંચી શકાય ના તમારી શક્તિને જગમાં, નથી તમારી શક્તિને તો કોઈ અવધિ
લાવે ઉકેલ, કંઈક ઉકેલોનો બુદ્ધિ તમારી, નથી તમારી બુદ્ધિને તો કોઈ અવધિ
કરો છો સહાય જગમાં તમે તો સહુને, નથી તમારી સહાયને તો કોઈ અવધિ
નથી નજર બહાર જગમાં તો કાંઈ તમારી, નથી તમારી નજરને તો કોઈ અવધિ
રાહ જુવો છો, પાસે આવે સહુ ક્યારે તમારી, નથી તમારી ધીરજને તો કોઈ અવધિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)