મારા હૈયાંના દૃઢ આસનમાં રે, કોણ ખીલી એમાં નાંખી ગયું, કોણ જડ એમાં નાંખી ગયું
હૈયે છલકાતાં સુખના સાગરમાં રે, કોણ છેદ પાડી ગયું, કોણ એમ એ કરી ગયું
મારા હૈયાંના વિશ્વાસના સઢને રે, કોણ એને ચીરી ગયું, કોણ એમ એ કરી ગયું
મારા હૈયાંના પ્રેમના સાગરને રે, તાપ કેવો એને સૂકવી ગયું, કેમ એને એ સૂકવી ગયું
કાબૂમાં લીધેલ મારા મનડાંને રે, કોણ એને હલાવી ગયું, કેમ એને હલાવી ગયું
શાંત મારા હૈયાંના સાગરને રે, કોણ તોફાન એમાં જગાવી ગયું, કેમ એમાં એ જગાવી ગયું
મારા હૈયાંના ધીરજના ડુંગરને રે, કોણ એને હચમચાવી ગયું, કેમ એને હચમચાવી ગયું
મારા હૈયાંના આનંદના સાગરને રે, કોણ એને ડહોળી ગયું, કેમ એને ડહોળી ગયું
મારા હૈયાંના શુદ્ધ પ્રવાહને રે, કોણ વિકારો ઊભા કરી ગયું, કેમ એને ઊભા કરી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)