જાગે હજારો શંકાઓ ભલે જીવનમાં, શંકા પ્રભુમાં ના જાગવા દેજો
છે આશરો પ્રભુ તો જીવનમાં તારો, આશરો એનો તો રહેવા દેજો
તૂટે કિનારા જિંદગીના બધા જ્યારે, તમારો કિનારો એને બનાવી દેજો
ડગલે ડગલાં છે ભરવા જીવનમાં, તમારો સાથી એને બનાવી દેજો
છે એ તમારા ભાવો ને ભાવનાનું પ્રતીક, પ્રતીક એને તમારું રહેવા દેજો
તમારી ખુશીમાં છે એ ખુશ થનારા, તમારી ખુશીમાં ખુશ એને રહેવા દેજો
નથી કાંઈ જુદા પ્રભુ તો તમારાથી, તમારાથી જુદા ના એને રહેવા દેજો
ફૂલ સમ કોમળ છે હૈયું એનું, ના ઠેસ એને તો પહોંચવા દેજો
મળી જાય દર્શન એનાં આંખોથી તમને, એની આંખોને દર્પણ બનાવી દેજો
અંતર નથી જ્યાં એની અને વચ્ચે તમારી, ના અંતર એમાં રહેવા દેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)