બનશે બનાવો જીવનમાં એવા, હૈયાંની ધરતીને ધ્રુજવી એ જાશે
જાળવવી સમતુલા તો, એવા સમયે, જરૂરી એ તો બની જાશે
કરી ભીની પ્રેમથી હૈયાંની ધરતીને, જોજે સંસાર તાપ એને સૂકવી જાશે
દુઃખદર્દના આંસુથી કરીશ એને જો ભીની, કાદવ એમાં એનો થાશે
ઊઠશે તોફાનો, આવે ધરતીકંપ, જોજે એમાં એના ટુકડા તો ના થાયે
કરૂણા ને કરૂણતા જાશે ભીંજવી એને, એમાં એ તો ભીંજાઈ જાશે
પ્રેમમાં જ્યાં એ મગ્ન રહેશે, ધરતી હૈયાંની એમાં તો ખિલી ઊઠશે
અવગુણોનું જ્યાં એ પોષક બનશે, હૈયાંની ધરતી એમાં સંકોચાઈ જાશે
દુઃખદર્દમાં ભાન બીજા ભૂલી જવાશે, એ ભાવમાં તંગ એ તો બનશે
વેર ને ઇર્ષ્યાના અગ્નિમાં, કરજે ના સૂકી ધરતી, પ્રેમમાં રસતરબોળ રાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)