વિધાતા દેવા હોય તો હજારો દુઃખ દેજે, હસતા હસતા એ સહી લેશું
દુઃખભર્યા હૈયાંને અમારા, દેજે ના પ્રભુ દુઃખ વિરહનું ના એ સહન કરી શકીશું
કર્મો સામે નથી કોઈ ફરિયાદ અમારી, હસતા હસતા અમે એ ભોગવી લેશું
પરમ પિતાના છીએ સંતાન અમે, એના વિરહનું દુઃખ ના સહન કરી શકીશું
સુખદુઃખની ઝોળીમાં ખૂબ અમે ઝૂલ્યા, હરફ ના અમે તો એનો કાઢીશું
એ પરમ ચરણની ચરણરજ જો ના પામીશું, એના વિરહનું દુઃખ ના સહન કરી શકીશું
દુઃખદર્દમાં દીવાના બની ના ફરીશું, અમારા કરેલા તો અમે ભોગવીશું
ના છીનવી લેજે, પરમ પિતાને મળવાનો હક અમારો, એના વિરહનું દુઃખ ના સહન કરી શકીશું
ધર્મ તણા જ્ઞાનથી હતા અજ્ઞાન અમે અજાણપણે પાપની રાહે ચાલ્યા હઈશું
જલાવી છે પ્રભુ પ્રેમની જ્યોત હૈયાંમાં ના બૂઝવા દેશું, એના વિરહનું દુઃખ ના સહન કરીશું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)