આ બાળ તારો માડી, અવગુણે ગોથા બહુ-બહુ ખાય
વિવેક વચનો ભૂલીને તારાં, જગમાં બહુ દુઃખી-દુઃખી થાય
લોભ-લાલચે લપટાઈને, તારી માયામાં બહુ અથડાય
કૃપાથી વંચિત જો રાખશે તું, કહે જગમાં ક્યાં જાય
મૂળે મનડું છે એનું કાચું, અહીંતહીં ભાગી બહુ જાય
કામ-ક્રોધ વીંટળાયા છે બહુ, એ તો પછડાટ બહુ ખાય
આળસે જકડ્યું છે હૈયું એનું, શું કરવું હવે એ ના સમજાય
કૃપાથી વંચિત રાખશે જો તું, કહે જગમાં એ ક્યાં જાય
મોહથી ભરેલું છે હૈયું એનું, સાચી વાત એને ના સમજાય
અહંકારમાં રહે બહુ ડૂબ્યો, મદથી છે એનું હૈયું છલકાય
વિચલિત અવસ્થામાં છે એ તો, ક્યાંય સાચો માર્ગ ના દેખાય
કૃપાથી વંચિત રાખશે જો તું, કહે જગમાં એ ક્યાં જાય
લાલસા ભરી છે હૈયે ઘણી, રહે છે ડૂબ્યું એ એમાં સદાય
આનંદ શોધવા ફરતું બધે, એ તો સદા નિરાશ થાય
અવગુણો વર્ણવું કેટલા માડી, છે એ તો ગણ્યા ના ગણાય
કૃપાથી વંચિત રાખશે જો તું, કહે જગમાં એ ક્યાં જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)