કેટલી વાર આવ્યો તું જગમાં, ગયો કેટલી વાર તું જગમાંથી, હિસાબ છે શું પાસે તારી
આવી આવી વારંવાર જગમાં, સુધારી ના લીધી તેં, જીવનમાં તારી બાજી
પાતો ને પાતો રહ્યો કર્મોને તો પાણી, રહી વધતી એમાં કર્મોની તો ફૂલવાડી
રહીશ જીવતો ને જીવતો જ્યાં સુધી જગમાં, છે હાથમાં ત્યાં સુધી કર્મોની બાજી
રમી રમી કર્મોની ચોપાટ તો જગમાં, ગયો નથી જીવનમાં એમાં તો શું થાકી
ધૂપસળી જલાવી છે કર્મોની તો જીવનમાં, જોજે જીવનમાં જલવી રહી જાય ના એ બાકી
કર્મોની રાખમાં તો છે છુપાવેલું મિલન પ્રભુનું, જોજે રહી જાય ના તો એ ખાલી
છે તારા હિતમાં તો, મિલન તો પ્રભુનું, જોજે કર્મોની રાખ બની જાય પાકી
રમતો રહ્યો છે રમત પ્રભુ જનમોજનમથી, પાડજે પકડી રમત તું એની
પાડીશ પકડી જ્યાં તું રમત એની, લેશે પ્રભુ તને ત્યારે ગળે લગાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)