ઊંચું રહેતું મસ્તક તારું, જોજે ઊંચું રહે સદાય
કર્મો તું એવાં ના કરતો, મસ્તક શરમથી ઝૂકી જાય
પાપ-પુણ્યનું ભાથું આવશે સાથે, હૈયેથી એ ના વિસરાય
કર્મો તું એવાં ના કરતો, મસ્તક શરમથી ઝૂકી જાય
હૈયેથી ખોટા ભાવો કાઢી, જોજે એ કલુષિત ના થાય
કર્મો તું એવાં ના કરતો, મસ્તક શરમથી ઝૂકી જાય
સાચનો તું સાથી બનજે, ખોટાથી દૂર રહેજે સદાય
કર્મો તું એવાં ના કરતો, મસ્તક શરમથી ઝૂકી જાય
પ્રેમનો પ્યાલો સદા પીજે, જોજે એ ઝેર ના બની જાય
કર્મો તું એવાં ના કરતો, મસ્તક શરમથી ઝૂકી જાય
બને તો સાંધજે કોઈનું, ઝઘડાથી દૂર રહેજે સદાય
કર્મો તું એવાં ના કરતો, મસ્તક શરમથી ઝૂકી જાય
રડતાનાં તું આંસુ લૂછજે, દિલાસો દેજે એને સદાય
કર્મો તું એવાં ના કરતો, મસ્તક શરમથી ઝૂકી જાય
દયાથી તું હૈયું ભરજે, ક્રોધને તું દૂર રાખજે સદાય
કર્મો તું એવાં ના કરતો, શરમથી મસ્તક ઝૂકી જાય
હૈયે તું પ્રભુપ્રેમ ભરીને, પીજે ને પાજે, સર્વને સદાય
ઊંચું રહેતું મસ્તક તારું, જોજે ઊંચું રહે સદાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)