છે પ્રભુ તો તારા હૈયાંમાં જો ત્યાં નહી મળે, જગમાં બીજે તને નહી જડે
વેરનો અગ્નિ પ્રગટાવીશ હૈયાંમાં, પ્રભુ હૈયાંમાં તો એમાં તો જલશે
ક્રોધનો અગ્નિ રેહેશે જો જલતો હૈયાંમાં, પ્રભુ હૈયાંમાં એમાં તો જલતા રહેશે
ઇર્ષ્યાનો દાવાનળ પ્રગટાવીશ જો હૈયાંમાં, પ્રભુ હૈયાંમાં એમાં તો દાઝી જાશે
પાપકર્મો કરીશ જો તું જીવનમાં, પ્રભુ હૈયાંમાં તો તારા એમાં શરમાઈ જાશે
તણાઈશ લોભમાં તો જો તું જીવનમાં, હૈયાંમા પ્રભુ તારા તો સંકોચાઈ જાશે
લાલચમાં તો જ્યાં તું તણાયો જીવનમાં, હૈયાંમાં પ્રભુ તારા વ્યાકુળ બની જાશે
રાચીશ ક્રૂરતામાં તો જો તું જીવનમાં, હૈયાંમાં પ્રભુ તારા દુઃખી બની જાશે
રહીશ આનંદમાં તો જો તું જીવનમાં, હૈયાંમાં પ્રભુ તારા આનંદિત બની જાશે
ડુબીશ જે જે ભાવોમાં તો તું જીવનમાં, હૈયાંમાં પ્રભુ તારા એ ભાવમાં ડૂબી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)