અરે ઓ નંદના કિશોર, કરજો હૈયાંને મારા, તમારા ભાવમાં વિભોર
કરજે સામેલ મને તારા નાચમાં, સોંપ્યો છે જ્યાં તને, મારો જીવનનો દોર
ચોર્યા તે ચિત્ત ગોકુળના ગામના, ચોરજે ચિત્ત મારું બનીને મારા ચિત્તનો ચોર
કરી નાચ નચાવે તું જગને, લાગે ત્યારે તો જાણે છે તું થનગનતો મોર
અરે ઓ મીઠી બંસરીના બજવૈયા, વગાડ બંસરી એવી, શમી જાય હૈયાંનો શોર
પ્રેમ રસની લહાણી કરી ગોકુળ ગામમાં, રાખજે ના હૈયું મારું એમાં કોરું ધાકોર
પીળી પિતાંબરી, મોર મુકુટધારી, છે પ્રખ્યાત એવો તો તું માખણ ચોર
જોવા રાધાસંગ જોડી તારી, બને આંખો અમારી, હટવા ના ચાહે છે એવું જોર
કાળી કીકીને શ્યામળ તો છે અંગ, લે છે ચિત્ત ચોરી, મારા નંદના કિશોર
છેડે જ્યાં તું બંસરી પ્રેમની, રહે ના હૈયું હાથમાં, બને હૈયું ભાવવિભોર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)