કર્મોની પહેરી માળા, આવ્યા રે જગમાં, ના હટાવી શક્યા એને ગળેથી
ફર્યા જગમાં, કર્યું જગમાં જે જે, રાખી કર્મોની માળા તો પહેરી
કદી લાગી ભારી, કદી લાગી હલકી, શક્યા ના એને તો હટાવી
જલદી ના તૂટે, હતી એ એવી, પુરુષાર્થ વિના ના એ તો તૂટવાની
હતી ક્યાં ક્યાં કર્મોથી ગૂંથાયેલી, હતી ના પાસે કોઈ એની માહિતી
કર્યાં પાપ કે પુણ્ય જીવનમાં, માળા ગળેથી કર્મોની તો ના છૂટી
ગયા રસ્તા ખૂલતા કર્મોના, ગાડી પાપની જીવનમાં તો ના અટકી
ઋણાનુબંધનાં નામ દીધાં મીઠાં, કર્મોની સમજણ ના તોય આવી
રડતા-હસતા વીત્યા સમય જીવનમાં, કર્મોની માળા ના તોય તૂટી
આવ્યા પહેરીને માળા, જાશું પહેરીને માળા, અવરજવર જન્મોની ના છૂટી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)