સાર ને સારપ ભૂલ્યા જ્યાં જીવનમાં, જાશે નીકળી મીઠાશ વાતોમાંથી
દંભમાં ને દંભમાં રાચ્યા જ્યાં જીવનમાં, પ્રેમી નીકળી જાશે ત્યાં પ્રેમમાંથી
ખુલ્લાં કર્યાં ના દ્વાર જ્યાં દિલનાં, ઊઠશે ના સુવાસ ત્યાં આવકારમાંથી
ચીમળાઈ ગયું પુષ્પ જ્યાં ડાળ પરથી, જાશે ફોરમ ત્યાં ફૂલમાંથી
સુકાઈ ગઈ ધરતી જ્યાં તાપથી, બની ના હરિયાળી ત્યાં વેરાનમાંથી
પાશે જળ વેર ને ઇર્ષ્યાના બીજને, કૂંપળો તો એની ફૂટશે તો એમાંથી
બંધાયા હશે સંબંધો જ્યાં સ્વાર્થથી, ફોરમ ફૂટશે તો એમાં ક્યાંથી
મન ને હૈયાને અસ્થિર રાખ્યાં જીવનમાં, મળશે દર્શન પ્રભુનાં એમાં ક્યાંથી
રહ્યો ના ઊભો જ્યાં જીવનની દોડમાં, મળશે ઇનામ એનું એમાં ક્યાંથી
વાગ્યા ઘા ભાવોને જ્યાં જીવનમાં, ખીલશે હૈયું એમાં ભાવોમાં ક્યાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)