માનવ રચતો આશાના મિનારા, તૂટતાં ન લાગે વાર
પ્રભુનો એમાં જો સાથ ન મળે, તો આદર્યા અધૂરા રહી જાય
રાવણ જેવા સમર્થની પણ, જો આશા અધૂરી રહી જાય
સોનાની લંકા રહી અધૂરી, એ આદર્યા અધૂરા રહી જાય
કંઈક માંધાતા જગમાં આવ્યા, ખાલી હાથે જગમાંથી એ જાય
પૃથ્વીપતિ બનવાની આશા રહી અધૂરી, આદર્યા અધૂરા રહી જાય
કંઈક લક્ષ્મીપતિ જગમાં આવ્યા, લક્ષ્મી તણો નહીં પાર
જગની લક્ષ્મી ભેગી કરવાની આશા રહી અધૂરી, આદર્યા અધૂરા રહી જાય
કંઈક વિદ્યાપતિ જગમાં જાગ્યા, એમની વિદ્વત્તાનો નહીં પાર,
તોય શાસ્ત્રો રહ્યાં કંઈક અધૂરાં, આદર્યા અધૂરા રહી જાય
સતયુગથી અમર થવાના, માનવ કરતો રહ્યો પ્રયાસ
મૃત્યુ સદા ભરખી જાતું, એના આદર્યા અધૂરા રહી જાય
પૂર્ણતાએ સદા એ તો પહોંચ્યા, આશા ધરી જેણે પ્રભુચરણમાં
પ્રભુ ત્યારે એ પૂરી કરતો, જ્યાં એ પ્રભુરૂપ બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)