હતો જે પાસે ને પાસે સાથે ને સાથે હૈયામાં તારા, રાખ્યો કેમ એને દૂર ને દૂર
રાખી એને દૂર ને દૂર, કરી જીવનમાં એમાં તેં જીવનની મોટામાં મોટી ભૂલ
લાગ્યો છાંયડો માયાનો મીઠો જ્યાં જીવનમાં, રહ્યા પ્રભુ તો ત્યાં દૂર ને દૂર
પાળ્યા ના નીતિનિયમો, જીવનના જીવનમાં, રહ્યા પ્રભુ તો ત્યાં દૂર ને દૂર
દઈ દઈ મહત્ત્વ પ્રારબ્ધને, પુરુષાર્થને વિસારી દીધું, રહ્યા પ્રભુ ત્યાં દૂર ને દૂર
પ્રેમના પ્યાલામાં જીવનમાં નાખતો રહ્યો વિષનાં બુંદ, રહ્યા પ્રભુ ત્યાં દૂર ને દૂર
બની ના શક્યો અન્યનો નજદીક તો હૈયામાં, રહ્યા પ્રભુ ત્યાં તો દૂર ને દૂર
વેર ને વેરથી રાખ્યાં હૈયાં ભરેલાં ને ભરેલાં, રહ્યા પ્રભુ તો ત્યાં દૂર ને દૂર
પ્રવેશવા ના દીધા પ્રભુને, રચી ઇચ્છાઓની જાળ, રહ્યા પ્રભુ ત્યાં તો દૂર ને દૂર
વિચારો ને અડગતાના હતા અભાવ, બન્યા પાંગળા, રહ્યા પ્રભુ ત્યાં દૂર ને દૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)