હૈયાની ગલી ગલીમાં છે અંધારું, તારી જ્યોતિનું બિંદુ ઝંખું છું
ફૂંકાયાં છે તોફાનો, છે વાદળ કાજળઘેરું, તારા પ્રકાશનું બિંદુ ઝંખું છું
પથ છે લાંબો, ચારેકોર છે અંધારું હૈયામાં અજવાળું તો ઝંખું છું
આશાના દીપ બુઝાયા તો જીવનમાં, પ્રભુ તારા કિરણનું અજવાળું ઝંખું છું
સૂઝે ના મારગ જીવનનો જીવનમાં, પ્રભુ તારા મારગનો દીપ ઝંખું છું
નથી રાત-દિવસ, છે પ્રવાસ ત્યાં મારો, પ્રભુ તારી શ્રદ્ધાનો દીપ ઝંખું છું
પ્રેમવિહોણું છે હૈયું મારું રે પ્રભુ, તારા પ્રેમનો તો એમાં દીપ ઝંખું છું
નાસમજદારીમાં વિતાવ્યું જીવન ઘણું, તારી સમજદારીનો દીપ ઝંખું છું
મારગે મારગે રહ્યો મૂંઝાતો ફરતો, સાચા ધરમનો તો દીપ ઝંખું છું
તારા વિના જીવનમાં તો છે અંધારૂ ને અંધારું, જીવનમાં સદા તને ઝંખું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)