ખોટી વાતથી મૂંઝાવ ના જીવનને, જીવનનું ગાડું સરળ ચલાવવું છે
હૈયાને ભર ના વેરથી તું, પ્રેમથી જીવન તો જ્યાં વિતાવવું છે
ભરી દેજે હૈયું હિંમતથી, ના રસ્તા જીવનના તો એ જાણે છે
પહોંચવું છે જલદી જ્યાં મંઝિલે, માયામાં ભટકવા તો શાને ચાહે છે
શોભાવે ત્યાગ તો જીવનને, મારા-તારામાં અંતર શાને પાડે છે
રહેવું છે ઉમંગભર્યા હૈયે, શાને, તું ને તું આશાના દીપ બુઝાવે છે
પહોંચવું છે સત્યના કિનારે, શાને અસત્યમાં નાવડી ચલાવે છે
પૂર્ણતા તો છે મંઝિલ તારી, અપૂર્ણતાને શાને પકડી રાખે છે
પકડી રાહ ખોટી જીવનમાં, સમય શાને એમાં વેડફી નાખે છે
તૂટી જાશે હિંમત જીવનમાં, તારા ને તારા કરેલા તને નડે છે
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)