સંસારની ઘંટી ફરતી જાય, કંઈક બીજોનાં બીજોને દળતી જાય
કંઈક બીજો એમાં ઓરાતાં જાય, કંઈક આખાં એમાં નીકળી જાય
અહંનાં બીજો એમાં દળાતાં જાય, કંઈક એમાં આખાં રહી જાય
ભાગ્ય ને કર્મો એમાં દળાતાં જાય, નવાં કર્મો એમાં ઓરાતાં જાય
સંબંધોનાં બીજો દળાતાં જાય, લોટ કંઈકનો એમાં ઊંડી જાય
કંઈક અવગુણોનાં બીજો દળતાં જાય, કંઈક દળાયા વિના રહી જાય
પ્રેમ ને ભક્તિમાં ભીંજાયેલા દાણા, એવા ને એવા એ રહી જાય
ક્રોધ ને વેરમાં સંકળાયેલા દાણા, લોટ એમાં એનો બની જાય
ભાવમાં ભીંજાયેલા દાણા, લોટને સુગંધિત બનાવતા જાય
સંસારની ઘંટી દળતી જાય, કર્મો ને ભાગ્ય એમાં દળાતાં જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)