પોકારે ભક્તો જ્યારે જ્યાં, કામ કરવા દોડતી ત્યારે ત્યાં
એક પળ પણ ના બેસતી માડી, તને આરામ મળતો નથી
પાપો જ્યારે જગમાં વધતાં, અવતાર ધરી તું દૂર કરતી
વિવિધ રૂપે સદા તું દોડતી માડી, તને આરામ મળતો નથી
કામ કરતાં કદી તું થાકે નહીં, કામ કરવા આળસ પાલવે નહીં
ભાવથી નામ લેતાં, તું દેર કરતી નથી, માડી તને આરામ મળતો નથી
કર્મો થકી તો તું જગ ચલાવે, ભાગ્યમાં ન હોય તે પણ આપે
પોકાર ઊઠતાં તું રાહ જોતી નથી, માડી તને આરામ મળતો નથી
માડી તારા હૈયાના ધબકારે, જગત આખું ધબકારા લેતું રહે
ધબકારામાં પણ વિલંબ કરતી નથી, માડી તને આરામ મળતો નથી
આક્ષેપો તારા પર કંઈક થતા રહે, પણ તું સદા હસતી રહે
બાળની ભૂલ હૈયે તું ધરતી નથી, માડી તને આરામ મળતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)