રોજ નીરખી દૂરથી કિનારાને, ઇચ્છા હૈયામાં એને ભેટવાની જાગી
ઊછળી હૈયામાં ભરતી ઉમંગની, એનાં લઈ મોજાં ભેટવા એને ચાલી
ચાલી ભલે ભેટવા કિનારાને, નજર સાગર ભણી ના છોડી
આ દ્વિધામાં ને દ્વિધામાં, એના હૈયાની ભરતીમાં ઓટ ત્યાં આવી
આ દ્વિધાની ભરતી-ઓટનાં મોજાંની નિત્ય રમત ત્યાં મંડાણી
જાગી ભરતી સાગરના હૈયામાં, ઓટ આવી આવી સાગરમાં સમાણી
નીરખી નીરખી હાલત સાગરના હૈયાની, ચાંદની મદદે એની આવી
પડતી રહી દૃષ્ટિ સાગર ઉપર, ભરતી સાગરના હૈયામાં સર્જાવી
હતો ઉમંગ કિનારાને ભેટવાનો, સાગરમાં સમાવવા એને ચાલી
નિરંતર આકર્ષણ-પ્રતિઆકર્ષણના ઘુઘવાટા દિલમાં એના જગાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)