થોડી માળા ફેરવી `મા' ના નામની, હું તો મને ભક્ત માની બેઠો
કમાયો ઘણું, દીધું થોડું, ત્યાં તો હું તો મને દાની સમજી બેઠો
આંખ બંધ કરી ધર્યું ધ્યાન, ત્યાં હું તો મને ધ્યાની માની બેઠો
મંદિરે પૂજન કરવા જાઉં જ્યાં, ત્યાં હું તો મને ધાર્મિક સમજી બેઠો
અન્યને ક્રોધ કરતા જોયા જ્યાં, ત્યાં હું તો મનમાં ખોટું હસી બેઠો
મુશ્કેલીથી કર્યો એકાદ અપવાસ, ત્યાં હું તો મને તપસ્વી માની બેઠો
પુસ્તક વાંચ્યાં, સમજ્યો ના સમજ્યો, ત્યાં હું તો ધર્મની ચર્ચા કરી બેઠો
અહં છુપાવવામાં બન્યો હું હોશિયાર, ત્યાં હું તો મને જ્ઞાની સમજી બેઠો
કામક્રોધ હૈયામાં જાગ્યા કંઈક વાર, તોય હું તો મને મુક્ત માની બેઠો
હૈયામાં લોભ-લાલચ હતાં અપાર, તોય હું મને તપસ્વી સમજી બેઠો
મારા અવગુણો રહ્યા મારી દૃષ્ટિ બહાર, તોય હું તો મને સદગુણી માની બેઠો
પડ્યા મારા જ્યાં પાસા પોબાર, ત્યાં હું તો મને હોશિયાર સમજી બેઠો
જૂઠું બોલ્યો હોઈશ કંઈક વાર, તોય હું તો મને સત્યવાદી સમજી બેઠો
પાપો આચર્યાં કંઈક વાર, તોય હું તો મને પુણ્યશાળી માની બેઠો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)