કરું ખાલી મનડાંને વિચારોમાંથી, વિચારો ને વિચારો પાછા ઊભરાય
કરું દૂર શંકાઓને હૈયામાં, ત્યાં નવી શંકાઓ મૂળ નાખતી તો જાય
ત્રાસ આવા રે જીવનમાં, જીવનમાં એમાંથી કેમ કરીને બચાય
દૃશ્યો ને દૃશ્યો નજર જોતું એ જાય, હૈયું એમાં ખેંચાતું ને ખેંચાતું જાય
ઇચ્છાઓ મચાવે તાંડવ દિલમાં, દિલ એમાં ધ્રૂજતું ને ધ્રૂજતું જાય
સંજોગો કરે દર્દ ઊભાં રે દિલમાં, દર્દે-દર્દે દિલ એમાં તો મૂરઝાય
નજર ફેરવે દિલ દિશાઓમાં, મળે ના એને ક્યાંયથી સાચી સહાય
સમજણ લૂછે આંસુ હૈયાનાં, વહાવે સંજોગો આંસુ તો સદાય
ધીરજ જાય ખૂટી જીવનમાં, બનાવો જીવનમાં એવાં તો બનતા જાય
કરું-કરું ખાલી ભાણું જીવનમાં, પાછું એ ભરાતું ને ભરાતું જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)