નમવા ના દેજે લોભમાં મસ્તકને મારા, તારા ગુણોમાં હજાર વાર નમવા દેજે
કર્તવ્યમાં મસ્તકને ના નમવા દેજે, તારા ગુણગાનમાં એને નમવા દેજે
ભાવેભવમાં છલકાય હૈયા અમારાં, તારા ભાવમાં તો એને નમવા દેજે
તારે ઉપકારેઉપકારે ચાલે જીવન અમારાં, તારા ઉપકારમાં નતમસ્તકે નમવા દેજે
તારા પ્રેમમાં ભીંજાવા દેજે હૈયા અમારાં, તારા પ્રેમમાં પ્રેમથી નમવા દેજે
તારી યાદેયાદે રહે હૈયું તાજું અમારું, તારી યાદમાં હૈયાને નમવા દેજે
તારા નામે નામે, ધબકે ધડકન અમારું, તારા નામમાં હૈયાને નમવા દેજે
શ્વાસેશ્વાસે જીવનમાં, બોલે સૂરો તારા, તારા સૂરોમાં જીવનને નમવા દેજે
અદ્ભુત અલૌકિક છે જ્ઞાન જગમાં તારા, તારા જ્ઞાનમાં મનડાંને નમવા દેજે
છે ફેલાયેલી અણુ અણુમાં શક્તિ તારી, તારી શક્તિને દિલથી નમવા દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)