દરકાર વિનાની દરકાર રાખી જીવનમાં
અણમોલ રતન જીવનનું લૂંટાઈ ગયું
કરીએ વિચાર શું થયું શું નહીં, સમય એને તો તાણી ગયું
હતી ચાહના શાંતિની હૈયામાં, માયાજાળમાં એ અટવાઈ ગયું
સ્વાર્થ ભળ્યા માગણીઓમાં, મુખે આવતો કોળિયો ઝૂંટવાઈ ગયો
ઉસ્તાદી ને ઉસ્તાદીમાં, સમય વર્તે, સાવધાન બનવું ભુલાયું
જરૂરિયાતોના વિસ્તાર વધાર્યા, ના કાબૂમાં એને રખાયું
ઉપાધિઓની વણઝાર વધી, ના કાબૂમાં એને રાખી શકાયું
દુઃખદર્દની દાસ્તાન રહ્યા દોહરાવતા, એકલવાયું રહેવું પડ્યું
હતી જુવાની પાયો જીવનનો ના સચવાયો, સુખનું સ્વપ્નું રોળાયું
ધીરગંભીરતા ખોઈ જીવનમાં, ખુદના હાથે ખુદે ઘણું ગુમાવ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)