સમયને સમય વીત્યા તમે દૂરને દૂર રહ્યા, હવે પ્રભુજી વ્હાલા, આવો તમે ઓરા ઓરા
છે મળવાની ઝંખના રોકે, મળતા અવગુણો મારા વ્હાલા, આવો તમે ઓરા ઓરા
વિતાવ્યા કંઈક દુઃખોના રે દહાડા કરવા દૂર મારા વ્હાલા, આવો તમે ઓરા ઓરા
બિછાવ્યાં છે હૈયામાં પ્રેમનાં આસન ખાવા પોરો મારા વ્હાલા, આવો તમે ઓરા ઓરા
શ્વાસે શ્વાસ બન્યા ભારી, હૈયામાં વિરહની વેદના ભરી મારા વ્હાલા, આવો તમે ઓરા ઓરા
જોયા રંગ સંસારના તારા વિના ગમ્યું ના કોઈ મારા વ્હાલા, આવો તમે ઓરા ઓરા
નથી હવે કોઈ પાપપુણ્યના હિસાબ માંડવા મારા વ્હાલા, આવો તમે ઓરા ઓરા
અટવાઈ ખૂબ માયામાં, માયામાં અમે દાઝ્યા મારા વ્હાલા, આવો તમે ઓરા ઓરા
દોડી મૃગજળ પાછળ પાછળ પી ના શક્યા તારા પ્રેમના પ્યાલા, આવો તમે ઓરા ઓરા
વસજો હૈયામાં એવા જાવાનું નામ ના કદી કાઢતા, મારા વ્હાલા આવો તમે ઓરા ઓરા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)