જ્યાં મારી વાત તને કહું ના કહું, માડી ત્યાં તું એ સમજી જાતી
માડી, હું તો કંઈક માગું ન માગું, ત્યાં માડી તું તો એ દઈ દેતી
પોકાર તને હજી કરું ના કરું, ત્યાં માડી તું તો એ સાંભળી લેતી
જનમોજનમનો વિયોગ છે તારો, હવે વધુ વિયોગ વેઠાતો નથી
હૈયે ભાવ ભરી નમું ના નમું, ત્યાં ભાવ મારા તું સ્વીકારી લેતી
હૈયું રુદન કરવા લાગે ના લાગે, ત્યાં ખબર મારી તું લઈ લેતી
હૈયે શંકા જ્યાં જાગે ના જાગે, નિરાકરણ તું તેનું કરી દેતી
ડગલાં બે જ્યાં તારી સામે ચાલુ ન ચાલુ, સામે તું તો દોડી આવી
મૂંઝવણમાં હું પડું ન પડું, ત્યાં પ્રેમથી તું મુજને નીરખી લેતી
પાપનો હૈયે જ્યાં ભાર વધે, ત્યાં માડી તું એ ખાલી કરી દેતી
ધ્યાનમાં ચિત્ત સ્થિર કરું ના કરું, ત્યાં ધ્યાનમાં તું આવી જતી
લેતો નામ તારું જ્યાં પ્રેમથી, ત્યાં પ્રેમથી હૈયે લગાવી દેતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)