જગના અગણિત જીવોમાં, તું છે એક અલ્પ ઇન્સાન
વિચાર કરીને જો તું જરા મનમાં, એમાં ક્યાં છે તારું સ્થાન
બ્રહ્માંડમાં આ ધરતી તો છે, સાગરના એક બિંદુ સમાન
વિચાર કરીને જો તું જરા મનમાં, એમાં ક્યાં છે તારું સ્થાન
જગમાં કંઈક આશાઓ લઈ આવ્યો, પણ છે તું બે દિનનો મહેમાન
વિચાર કરીને જો તું જરા મનમાં, એમાં ક્યાં છે તારું સ્થાન
અલ્પ એવો તું છે માનવ, હૈયે ધરે છે પર્વત સમ અભિમાન
વિચાર કરીને જો તું જરા મનમાં, એમાં ક્યાં છે તારું સ્થાન
વાત-વાતમાં અપમાન કરતો, સહન ના કરતો તારાં અપમાન
વિચાર કરીને જો તું જરા મનમાં, એમાં ક્યાં છે તારું સ્થાન
અન્યને હૈયેથી તું માન દેતો જા, જગમાં મળશે તને માન
વિચાર કરીને જો તું જરા મનમાં, એમાં ક્યાં છે તારું સ્થાન
જ્ઞાનનાં તો તું બણગાં ફૂંકતો, ભલે હૈયે ભર્યું રહે અજ્ઞાન
વિચાર કરીને જો તું જરા મનમાં, એમાં ક્યાં છે તારું સ્થાન
જગમાં તારે સદા ભટકવું પડશે, નહીં થાયે જો તારી સાચી પહેચાન
વિચાર કરીને જો તું જરા મનમાં, એમાં ક્યાં છે તારું સ્થાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)