તારા કરતા દર્શન પ્રભુ, દિલમાં તો કંઈ કંઈ થાય
રહે ના હૈયું હાથમાં, ને હૈયું તો ઉમંગોથી છલકાય
નશો ચડયો દિલ ઉપર એનો એવો, ઊતર્યો ના ઊતરી જાય
ભવોભવનો અંત તુજમાં દેખું, જો તુજમાં સમાઈ જવાય
દૃષ્ટિને દૃષ્ટા રહે જુદા, એ તો જુદા ને જુદા રહી જાય
વિસ્મરણ થાય જ્યાં ખુદનું, પ્રભુ એજ તને તુજમાં સમાય
જગની સહાનુભૂતિ શું કરવી, તારી સહાનુભૂતિમાં બધું સમજાય
તારા વિના તો છે બધે અંધારું, કોઈ સૂરજ પ્રકાશે ભલે સદાય
નામે નામે લાગે ભલે જુદા, એક જ તત્વ સહુમાં પ્રકાશે સદાય
દર્શન કરતા એ તત્વનું હૈયું, એમાં હરખાતું ને હરખાતું જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)