તરવો, તરવો છે ભવસાગર સંસાર
માડી, તારા નામને સહારે
તરતાં જો ડૂબીએ એમાં માડી
તો દોડી આવજે તું વહારે
ઊઠ્યાં છે જીવનમાં કંઈક તોફાન
પાર કરવા, માડી તારા નામને સહારે
એકલી-અટૂલી વાટે ચાલવું છે
માડી, તારા નામને સહારે
પ્રેમ તારો પામીને કરવી છે લહાણી
માડી, તારા નામને સહારે
હિંમતથી કરવો છે મુસીબતોનો સામનો
માડી, તારા નામને સહારે
ભૂલવું છે અભિમાન ને જગ કેરું ભાન
માડી, તારા નામને સહારે
ઝીલવા ને પીવા છે તારી આંખના અમીરસ પાન
માડી, તારા નામને સહારે
ઉરમાં ધરી રહ્યો છું તારાં દર્શનની એક આશ
માડી, તારા નામને સહારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)