પાપો કરતાં માડી, પાછું વળી કદી જોયું ના માડી
શિક્ષા કરવી ના કરવી, એ બધું હવે તો તારે હાથ છે
ખોટા વિચારો માડી, કર્યા મનમાં સદાય મેં તો માડી
દૂર કરવા ના કરવા માડી, એ બધું હવે તો તારે હાથ છે
મનના મેલો સાફ કરતા, નવાની દરકાર ના કરી માડી
સાફ કરવું કે ના કરવું માડી, એ બધું હવે તો તારે હાથ છે
આળસમાં ડૂબીને માડી, સમયની કિંમત મેં તો ના જાણી
એ દૂર કરવું ના કરવું માડી, એ બધું હવે તો તારે હાથ છે
લોભમાં લલચાઈ માડી, કંઈક અનર્થ કર્યા મેં તો માડી
બચાવવો ના બચાવવો માડી, એ બધું હવે તો તારે હાથ છે
ક્રોધમાં સળગી રહ્યો છું માડી, કંઈક જીવન સળગાવ્યાં માડી
હવે શાંત કરવો ના કરવો માડી, એ બધું હવે તો તારે હાથ છે
હવે દર્શનની આશ હૈયે છે માડી, અંતર રહ્યું છે તોય માડી
દર્શન દેવા ના દેવા માડી, એ બધું હવે તો તારે હાથ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)