જે નામ પ્રભુનું લેતા, રૂપ સામે એનું જો આવી જાય, નામ સાચું લીધું ગણાય
નામ લેતા તન્મય એમાં જો થઈ જવાય, સ્વરૂપ પ્રભુનું તો એ, સામે આવી જાય
ઓગાળી દીધી છે જાત પ્રભુએ જ્યાં આપણામાં, જાત આપણી એનામાં તો ઓગાળી દેવાય
ઓગાળી દેવાય જ્યાં જાત આપણી રે એમાં, નામ સાચું લીધું ત્યારે તો કહેવાય
નામે નામે તો હૈયે શક્તિના સ્ત્રોત ફેલાય, નામની શરૂઆત ત્યારે તો થઈ જાય
નામે નામે આવરણ માયાના દૂર થાતાં જાય, પ્રકાશ પ્રભુના ત્યારે તો પથરાય
નામે નામે હૈયું તો ભાવથી પીગળતું જાય, પ્રેમની ધારા ત્યાં તો વહેતી જાય
મનડું ને ચિત્તડું નામમાં જ્યાં ડોલતું જાય, સાથ એ તો ત્યાં તો દેતું જાય
મન ને ચિત્તડું ઓગળી ઓગળી એક થાતાં જાય, પ્રભુને આવ્યા વિના નથી ઇલાજ ક્યાંય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)