આ વિશાળ જગમાં શું નથી, છે બધું પણ ધર્મમય જીવન કોઈનું નથી
સત્યના સાધકો મળશે રે જગમાં, અસત્યના સાધકોની જગમાં કાંઈ કમી નથી
દર્દેદિલ તો જગમાં રે મળશે, કઠોર દિલની જગમાં તો કાંઈ કમી નથી
કરશો દૂર દુઃખ કેટલાનું રે જગમાં, જગમાં જ્યાં દુઃખીઓની તો કમી નથી
સમજદારીથી વર્તશો ભલે રે જીવનમાં, ગેરસમજ ઊભી થયા વિના રહેતી નથી
થતા હશે પુણ્ય ભલે ઘણા જગમાં, પાપીઓની જગમાં તો કાંઈ કમી નથી
મળે છે ભોળા ભલે રે જગમાં, કપટીઓની જગમાં તો કાંઈ કમી નથી
તેજ પથરાય છે સૂર્યના ભલે જગમાં, અંધકારની જગમાં તો કાંઈ કમી નથી
જ્ઞાનની સાધના ભલે ચાલે છે જગમાં, અજ્ઞાનીઓની જગમાં કાંઈ કમી નથી
નિર્મળ હૈયાં મળી રહે ભલે રે જગમાં, વિકારીઓની જગમાં કાંઈ કમી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)