મારી ભૂલોની ભૂલવણીમાં રે, હું તો અટવાતોને અટવાતો જાઉં છું
રે માડી, બહાર એમાંથી તો કેમ કરીને નીકળાય, કેમ કરીને નીકળાય
આતમતેજને રે, વિકારોની વાદળી ઢાંકતી જાય, તેજ કેમ કરીને એના પથરાય
દુર્ભાવોને દુર્ભાગ્ય જીવનની છેડતી કરતા જાય, કેમ કરીને એમાંથી બચાય
કરવા ના ચાહું ભૂલો જીવનમાં રે, ભૂલોની પરંપરા તો સર્જાતી જાય
સુખદુઃખના સર્જન, સર્જ્યાં કર્મોએ એને, કેમ કરી કાબૂ એના પર રખાય
વિચારો ને વૃત્તિઓ જીવનને તાણતી જાય, ભૂલો તો એમાં થાતી જાય
રહેવું છે જેવું જીવનમાં, સંજોગો ના રહેવા દે મને, કેમ કરીને એ સહેવાય
સુધારું ભૂલ તો જ્યાં, એક તો જીવનમાં, ત્યાં બીજી થાતી ને થાતી તો જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)