ચડવા છે પગથિયાં પ્રગતિના જીવનમાં તો એવા, ઊતરવા તો એ ના પડે
કરવા છે કર્મો જીવનમાં તો એવા, જીવનમાં કોઈ ખોટી આંગળી ના ચિંધે
બાંધવા છે સબંધો જીવનમાં તો એવા, જીવનમાં ના તોડયા એ તો તૂટે
પ્રેમથી પૂજવા છે પ્રભુને જીવનમાં તો એવા, પ્રેમથી સામે આવી એ ઊભા રહે
રાખવા છે હૈયાંમાં ભાવો તો એવા જીવનમાં, કદી ના એ તો કોઈને નડે
સાથ દેવા છે જીવનમાં અન્યને તો એવા, ઉપરના ઉપર જીવનમાં એ તો ચડે
ભરવા છે શ્રદ્ધાને ભાવો હૈયાંમાં તો એવા, જીવનમાં ખૂટયા ના એ તો ખૂટે
સમજણ કરવી છે તીક્ષ્ણ એવી રે જીવનમાં, મુસીબતોને તો જે ઉકેલી શકે
કરવી છે હિંમતને સ્થિર જીવનમાં રે એવી, હર મુસીબતોનો સામનો કરી શકે
પ્રેમને હૈયાંમાં સ્થિર કરવો છે રે એવો, અન્યનું હૈયું શાંત એ તો કરી શકે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)