હતું શું વિચાર્યું રે જીવનમાં, જીવનમાં તો શું નું શું કર્યું
કરવું હતું જીવનમાં રે ઘણું, જીવનમાં બધું તો ના કર્યું
સુખી થવાના કર્યા ખૂબ યત્નો જીવનમાં, દુઃખ જીવનમાં ઊભું કર્યું
થાવું હતું તો મુક્ત તો જીવનમાં, બંધનોની કડીને મજબૂત કર્યું
રહેવું હતું પ્રેમનો રોગી રે જીવનમાં, વેરનો રોગી બનવું પડયું
કરી શરૂઆત જીવનની ઉમંગથી, અંત તરફ જીવન ધસતું રહ્યું
કર્યા વિચારો ખૂબ તો જીવનમાં, કર્યું ત્યારે વગર વિચાર્યું કર્યું
ધાર્યું ઘણું ઘણું તો જીવનમાં, ધારણા બહાર ઘણું ઘણું બન્યું
કરવો હતો પળે પળનો ઉપયોગ જીવનમાં, પળને ગ્રહણ લાગી ગયું
કરી શરૂઆત જીવનમાં સીધા માર્ગથી, જીવન ખોટા રસ્તે ફંટાઈ ગયું
રાખ્યું હતું તો લક્ષ્ય જીવનમાં, દિશા લક્ષ્યમાંથી બદલાઈ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)