છે છે ને નથી નથી, છે પાસે તો બધું, હાથમાં તોય કાંઈ નથી
મળ્યો છે માનવદેહ અણમોલ, તોય જીવનમાં એની તો કિંમત નથી
દીધી છે કર્તાએ બુદ્ધિ તો ઘણી, વિવેકથી તો ઉપયોગ કરતા નથી
જીવન તો છે જગમાં આવું, છે પાસે બધું, હાથમાં તોય કાંઈ નથી
વિચારવાની શક્તિ તો છે ભરી ભરી, સાચા વિચારો તોય કરતા નથી
ભરી ભરી છે હિંમત જીવનમાં ઘણી, તોય સમય પર હિંમત ટકતી નથી
હૈયે ભાવોના ભંડાર છે ભરપૂર સાચા, ભાવો હૈયે તોય તો જાગતા નથી
વણથંભી વણઝાર ચિંતાની છે ઊભી, હૈયેથી ભાર એના તો હટતા નથી
જીવનમાં તો છે પાસે ઘણું ઘણું, સાચી શાંતિ હૈયામાં તોય નથી
ભરી ભરી છે માનવદેહમાં શક્તિ ઘણી, ઉપયોગ સાચો કરતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)