નયનોમાં ને હૈયામાં, વસ્યો છે જ્યાં તું, નયનોમાં ને હૈયામાં તોફાન મચાવે છે શાને તું
શુદ્ધ અને નિર્વિકારી છે જ્યાં તું, વિકારોમાં ડુબાડી રાખે છે મને શાને રે તું
ઇચ્છાઓ જગાવી હૈયામાં વસીને અંદર, નાચ નચાવે શાને મને એમાં તો તું
ભાગ્ય વિધાતા છે જ્યાં તો તું, રહી અંદર, ભાગ્યથી મજબૂર બનાવે છે શાને એમાં તું
શક્તિશાળી છે જ્યાં તો તું, રહીને અંદર, અશક્ત રહેવા દે છે શાને મને રે તું
કર્તા કારવતા છે જગમાં જ્યાં તો તું, રહી અંદર, કર્તાપણાના ભાવ શાને જગાવે છે મારામાં તું
જોઈને જાણે છે જ્યાં બધું તો તું, રોકતો નથી મને પાપોમાંથી કેમ તો તું
પૂર્ણ ને પૂર્ણ છે જ્યાં તો તું, રહીને અંદર, અપૂર્ણ રહેવા દે શાને મને તો તું
છું જ્યાં હું તો અંગ તારો ને તારો, શાને અલગ પડવા દે છે તારાથી મને તો તું
પહોંચવા ચાહું છું જીવનમાં હું તારી પાસે, તારી પાસે પહોંચવા નથી દેતો શાને મને તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)