જીવન મળ્યું છે સહુને રે જગમાં, કોણ એને સમજ્યું રે, કોણ સારી રીતે એને જીવ્યું છે
જીવ્યા એને સહુ સહુની રીતે, કોઈક તો એને, સાચી રીતે તો જીવ્યું છે
ચાહ્યા માર્ગ એના સાચા સહુએ તો જગમાં, ભટકતા ને ભટકતા તો સહુ રહ્યા છે
જોઈએ છે શીતળ તેજ ચાંદનીના સહુને, અમાસના અંધકારમાં સહુએ તોય ઘેરાયા છે
જોઈએ છે શાંતિ તો સહુને તો હૈયે, અશાંતિ તોય જીવનમાં તો નોતરી રહ્યા છે
ઉદ્દેશ વિનાનાં જીવીને જીવન, સહુ માયામાં તો નાચતા ને નાચતા રહ્યા છે
વર્તન ને વાણી ઉપર ના રાખીને કાબૂ, પ્રેમભર્યા સંસારને રગદોળી રહ્યા છે
સુખની દોટ છે સહુની રે જીવનમાં, તોય જીવનમાં દુઃખી ને દુઃખી થાતા રહ્યા છે
નાયક મટી જીવનમાં તો સહુ, જીવનમાં તો ખલનાયક બનતા ને બનતા રહ્યા છે
બનતા રહ્યા છે સહુ કર્મોના કર્તા તો જગમાં, જગકર્તાને સહુ ભૂલતા રહ્યા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)