કરતા ને કરતા રહીશું તો જીવનમાં, એનું એ જ કરતા ને કરતા રહીશું
વાતો મોટી મોટી તો કરતા રહીશું, જીવનમાં તો એનું એ જ કરતા રહીશું
બે દિવસની ચાંદની હૈયે જગાવી, અંધકારમાં તો પાછા સરકી જઈશું
બે દિવસ જોમની તાજગીમાં ઝૂમી, આળસ ને આળસમાં ડૂબ્યા રહીશું
નાક સુધી જ્યારે પાણી ચડે, હાથ પગ ત્યારે, હલાવ્યા વિના ના રહીશું
બે દિનનો સ્મશાન વેરાગ્ય હૈયે પ્રગટાવી, માયામાં પાછા ડૂબી જઈશું
વેર-વૈમનસ્યમાં સરકી સરકી, હૈયાના હાલ બેહાલ તો કરતા રહીશું
આળસને પોષી, ઉમંગને હડસેલી, બૂમ થાકની જીવનમાં પાડતા રહીશું
જીવનના તાલ મેળવવા ભૂલી, બેતાલ જીવનને બનાવતા રહીશું
માયામાં ડૂબી એવા, મોક્ષમાર્ગને અભરાઈ ઉપર ચડાવતા રહીશું
છોડીને સુખના માર્ગ જીવનમાં, દુઃખી ને દુઃખી તો થાતા રહીશું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)