કાના રે કાના, કાના રે કાના, ઢંગ તારા છે, કેવા રે નિરાળા
વગાડી વગાડી વાંસળી મધુરી, હરી લે છે, ચિત્તડા તું અમારા
ત્રિભંગ કરી, વગાડે વાંસળી રે તું, કરતો ના અમારા જીવનમાં ગોટાળા
હ ની બાજુમાં જઈ રહે જ્યાં તું ઊભો, હ ને પલટાવી દે તું તો હામાં
ન ની બાજુમાં જઈ રહે ઊભો જ્યાં તું, ના બનાવી દે તું ઇલાજ અમારા
મ ની બાજુમાં ઊભો રહીને, મ ને બનાવી દે પ્યારાં `મા' અમારાં
જ ની બાજુમાં જઈને ઊભો રહીને, જા કરી કરે ઇશારા તું જવાના
ખ ની બાજુમાં ઊભો રહીને, ખા કહી સમજાવે અમને તું ખાવાના
ગ ની બાજુમાં ઊભો રહીને, ગા કહી કરે આજ્ઞા અમને તું ગાવાના
પ ની બાજુમાં ઊભો રહીને, પા કહી કરે ઇશારા અમને તું પાવાના
બ ની બાજુમાં ઊભો રહીને, બા બનીને યાદ અપાવે અમારી બા ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)