વાવી વાવી રહ્યો છે રે તું, વિકારોનાં બીજોને રે જીવનમાં
શું તું મુસીબતો ને મુસીબતોથી, જીવનમાં તું કંટાળ્યો નથી
રમત રમી રહ્યો છે રે તું, વિકારો ને વિકારોની તો તું જીવનમાં - શું...
બની ગયો છે જ્યાં દાસ તું એમાં, સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે તારી એમાં - શું...
શું કામ કે ક્રોધ, શું લોભ કે મોહ, નથી કાંઈ એકબીજાથી ઊતરતા - શું...
હશે કૂંપળો ભલે એની રે કૂણી, હેરાન કરવાની શક્તિ છે એમાં પૂરી - શું...
એક એક વિકાર તો છે રે સમર્થ, જીવનમાં મુસીબત ઊભી કરવામાં - શું...
હણાતી ને હણાતી જશે સામનાની શક્તિ, જીવનમાં તો એમાં - શું...
કરતો જાશે જીવનને અશાંત તું, જીવનમાં એના તો ઉપાડામાં - શું...
કરી ના શકીશ કામ ધાર્યું તો તું તારું, રાચી રહીશ તું વિકારોમાં - શું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)