જીવનની રે જાળમાં, જગની રે જંજાળમાં, હે જીવ તું એમાં, ફસાતો ને ફસાતો જાય છે
રહ્યા છે મળતા રે ખાવા વિકારોના મીઠા રે દાણા, ખાવામાં મશગૂલ એમાં બનતો જાય છે
સમય રહ્યો છે વીતતો રે એમાં, આમ ને આમ, એમાં વીતતો જાય છે
પડયો છે રે પગ, જ્યાં તારો રે એમાં, એમાં ને એમાં મજબૂત તું બંધાતો જાય છે
કરી કોશિશો ઘણી, વગર વિચાર્યે છૂટવા એમાંથી, એમાં ને એમાં ગૂંચવાતો જાય છે
છોડયા ના મોહ તેં તો એના, લલચાયો તું એને ખાવા, એમાં ને એમાં તું ફસાતો જાય છે
સૂકવીશ ના જો તું હૈયેથી એનાં રે દોરડાં, મુક્ત ના એમાંથી તો થવાય છે
પ્રેમથી જતન કર્યાં રે તેં એનાં, મજબૂત એને રે કરી, તોડવાં મુશ્કેલ બની જાય છે
ગૂંથ હૈયે હવે તું પ્રભુપ્રેમના તાંતણા, છૂટશે વિકારોના તાંતણા, મુક્ત ત્યારે થવાય છે
એક એક કરી જ્યાં છૂટશે વિકારોના તાંતણા, મુક્ત ત્યારે એમાંથી થઈ જવાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)