સંસાર તો છે એક વિશાળ દરિયો, અનેક કિનારા વચ્ચે રહ્યો છે ઊછળતો
ખારાશથી છે એ ભરેલો, તોય મોતી તો એ રહ્યો છે દેતો ને દેતો
નાની માછલીઓ રહે એમાં તરતી, મોટા મગરમચ્છોથી પણ છે ભરેલો
ભરતી-ઓટનાં મોજાંઓથી, રહ્યો છે સદા એ તો સંકળાયેલો
સૂર્યતાપને રહ્યો છે એ ઝીલતો, ચંદ્રનાં શીતળ કિરણોમાં રહ્યો છે ઊછળતો
અનેક રત્નો છે એમાં ભરેલાં, અનેક રત્નોથી છે એ તો ભરેલો
કાઢવા હશે રત્નો જો એમાંથી, પડશે ખારાશનો તો કરવો રે સામનો
હરપળે છે શક્યતા તો એમાં, કોઈ ને કોઈનો શિકાર તો બનવાનો
પડશે રહેવું જાગૃત સદા તો એમાં, વળશે ના, આંખમીંચામણાં એમાં કરવાનો
આવશે આંધી, આવશે તૂફાન એમાં, પડશે મક્કમતાથી કરવો એનો તો સામનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)