સાચા રસ્તા સુખના જ્યાં ના લેવાયા, જીવનમાં દુઃખે ધામા ત્યાં નાંખી દીધા
મારા તારાના મહેરામણ હૈયે જ્યાં ઊછળતાં રહ્યાં, અંધકારે હૈયાંમાં ધામા નાંખી દીધા
શૂરવીરતાના સ્વાંગમાં કાયરતાને જ્યાં પોષણ મળ્યા, હૈયાંમાં ડરે, ધામા ત્યાં નાંખી દીધા
શ્રદ્ધાને જીવનમાં એ તો હલાવી ગયા, શંકાએ હૈયાંમાં જ્યાં ધામા તો નાંખી દીધા
સંબંધોના શ્વાસમાં અડચણ ઊભાં એ કરી ગયા, હૈયાંમાં લોભ લાલચે, ધામા તો નાંખી દીધા
યત્નો સફળતાના આરે ના પહોંચી શક્યા, જ્યાં હૈયાંમાં આળસે ધામા નાંખી દીધા
સદ્ગુણો વિના મહેકે ના જીવન, મહેક્તું અટક્યું જ્યાં હૈયે, અવગુણોએ ધામા નાંખી દીધા
પ્રેમ વિના શોભે ના રે જીવન, ના રાખી શક્યા જ્યાં હૈયે, વેરે ધામા નાંખી દીધા
ભક્તિભાવ વિના પ્રભુ મળે ના જીવનમાં, અટકી ગયું જ્યાં હૈયે, કૂડકપટે ધામા નાંખી દીધા
સરળતાએ સાથ જ્યાં છોડી દીધા જીવનમાં, હૈયે તો જ્યાં વિકૃતિએ ધામા નાંખી દીધા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)