હટયા ના હટયા, પળ બે પળ તો, આફતોનાં વાદળાં રે જીવનમાં
લીધા નિરાંતના જ્યાં હાશકારા, પ્રભુ નવી ઉપાધિનાં વાદળ તેં મોકલી દીધાં
દીધો ગૂંથી મને એમાં તો એવો, તારાં સ્મરણ પણ દુર્લભ બન્યાં
દુઃખદર્દનાં ટોળાં ત્યાં એમાં તો ધસ્યાં, તારા નામની દવાનાં પાન ના મળ્યાં
ઉછાળા ઉછળ્યા હૈયામાં તો એમાં, ના હૈયાના હાથમાં એ તો રહ્યા
દિશાઓ રહી એમાં ઘેરાતી ને ઘેરાતી, ચારેકોર અંધકારનાં તો દર્શન થયાં
સૂઝી ના સાચી દિશા ત્યાં મનડાને, પારખી ના શક્યું એ પોતાના કે પારકા
હરેક વાદળો, લઈ બિહામણા આકારો, ડરાવતાં ને ડરાવતાં રહ્યાં
મળ્યા પળ બે પળ નિરાંતના શ્વાસો એમાં ઉપાધિના ચિત્કાર નીકળી ગયા
ગણાવી એને તારી કસોટી, કે મારા કર્મની પીડા, ના એ સમજી શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)