રહીશ કરતો તું વાત, દિવસ ને રાત, ઉગાડી શકીશ ક્યાંથી તારું તું સોનેરી પ્રભાત
કરવો છે જ્યાં ભવપાર, કરજે આ વિચાર, બદલવા પડશે તારે તારા રે આચાર
રાખીને પ્રભુમાં વિશ્વાસ, લેજે જીવનના હર શ્વાસ, કરશે ના પ્રભુ તને તો નિરાશ
પાપ ને પાપ, જ્યાં તું કરતો જાય, પુણ્ય ઘટતું જાય, અફસોસ જોજે, હાથમાં ના રહી જાય
છે પાસે થોડી પુરાંત, બેસતો ના વાળી નિરાંત, જોજે પડે ના કરવો તારે કલ્પાંત
અહંમાં રહીશ તણાઈ, ઘટશે પ્રભુની સગાઈ, દેવાઈ જાશે ઉપાધિઓને વધાઈ
આવશે ના ઉપાધિઓનો અંત, છોડીશ ના ખોટાં તંત, કહી ગયા આ જગમાં સહુ સંત
રાખીશ ખોટી આશા, નોતરીશ તું નિરાશા, જગાવીશ ત્યાં તું હૈયે તો હતાંશા
છે દિલ ભલે રે તારું, પડે પ્રભુએ એ સ્વીકારવું, કર જીવનમાં તું હૈયું તો એવું
હૈયાને તારા તું ઢંઢોળ, ક્ષતિઓને તું બોળ જીવનમાં, માયામાં ના તું ડોલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)