મળ્યું નથી જીવન તને તો દાનમાં, મફતમાં જીવન નથી તું કંઈ લઈ આવ્યો
સારા કે ખોટાં તારા કર્મોનો તો છે, છે આ જીવન તો તારું એનો તો સરવાળો
મન, ચિત્ત, ભાવ, વિચારને બુદ્ધિ તો છે, તારા પૂર્વ જનમના પુરુષાર્થનો તો પડછાયો
ચૂકવી કિંમત તેં કેવી ને કેટલી, રહ્યો છે તું તો એનાથી અજાણ્યોને અજાણ્યો
છે કેટલું લાંબુ કે ટૂકું જીવન જગમાં તો તારું, નથી કાંઈ એ તો તું જાણી શક્યો
પળેપળની તો છે ચૂકવી કિંમત તેં તો, પળ તો છે તારો તો અમૂલ્ય ખજાનો
વિતાવીશ પળ જો તું પુરુષાર્થ વિનાની, મળશે ક્યાંથી તને પ્રભુદર્શનનો લહાવો
થયું નથી મિલન હજી તને તો પ્રભુનું, બતાવી દે છે નથી પ્રભુની રાહે તું ચાલ્યો
આજ થશે, કાલ થશે, આશા નિરાશાના ઝૂલે રહ્યો છે, તું તો ઝૂલતો ને ઝૂલતો
મિલન સુધી તો છે ફરિયાદ તો તારી, મિલન થયા પછી નથી ત્યાં ફરિયાદનો વારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)