રચી દીવાલો મારી, આસપાસ તો મારી, એમાં જ્યાં હું પુરાઈ ગયો
અટકાવી દીધા પ્રવેશ કંઈકના, કેદી એમાં એનો હું તો બની ગયો
રચી રચી વિચારોની દીવાલો મારી, અન્ય વિચારોના પ્રવેશ આવતા ગયા
રચી ક્રોધ ને ઇર્ષ્યાની દીવાલો આસપાસ મારી, અટુલોને અટુલો એમાં બની ગયો
દુઃખ દર્દની દીવાલો રચી આસપાસ મારી, પ્રવેશ સુખના બંધ કરી બેઠો
શંકુચિતતાની રચી દીવાલો આસપાસ મારી, પ્રવેશ વિશાળતાનો અટકાવી ગયો
લોભ લાલચની રચાઈ દીવાલો આસપાસ મારી, સરળતાનો પ્રવેશ બંધ થઈ ગયો
મારા ને મારાની રચી દીવાલો આસપાસ મારી, પ્રવેશ ભક્તિનો બંધ થઈ ગયો
રચી દીવાલો શંકાની આસપાસ મારી, વિશ્વાસનો પ્રવેશ બંધ કરી બેઠો
તોડી દીવાલો મારીને મારી, મુક્ત એના વિના ના હું બની શક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)