તીર તારું છોડજે એવું, લક્ષ્ય તારું એ વીંધી જાય
પરમધામનું લક્ષ્ય છે તારું, જોજે એ ચૂકી ન જવાય
કરુણાકારી નામ છે `મા’ નું, કરુણા એ નિત્ય કરતી જાય
હૈયે તું તો લેજે એવું, કરુણા નિત્ય વરસી જાય
છે એ તો સદા દયાળુ, દયાના દાન દેતી જાય
દાન લેવું છે જ્યારે એની દયાનું, દાન તું લેજે સદાય
સુંદર મુખડું જોવું હોય તો, જોજે `મા’ નું મુખડું સદાય
સુંદર મુખડું એનું હૈયે વસે, તો ધન્ય ધન્ય થઈ જવાય
રાત જશે ને દિન જશે, એમ સમય વીતતો જાય
ડગલું જો આગળ નહિ ભરો, ત્યાં ને ત્યાં રહી જવાય
ચિંતન જેનું નિત્ય કરશો, એ તો સામે મળી જાય
‘મા’ નું એ વરદાન છે, સૌને સમજી ઉપયોગ કરજો સદાય
સુખ તો સહુને ગમે, દુઃખ પણ કદી એમાં ભળી જાય
સુખદુઃખમાં સમત્વ ધરજો, તો દુઃખી કદી ન થવાય
‘મા’ ના હૈયે હેતના અમી વરસે, ઝીલવા તૈયાર રહેજો સદાય
લીલામાં મનડું ના ડુબાડો, જોજો એ ચૂકી ન જવાય
નાનાને પણ નાનો ન ગણજો, દિલથી દેજો માન
માતા તો છે સર્વમાં વ્યાપી, રહી છે સર્વમાં સમાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)