સાંભળ્યું છે જગમાં મેં તો માડી, કાચે ઘડે ભર્યું તેં તો પાણી
કાચો ઘડો છે તો મારો માડી, જોજે ટકોરે એ તૂટી ન જાય
ઘટ ઘટના તેં ઘાટ ઘડયા માડી, કાચો રહ્યો છે ઘડો મારો
કાચો ઘડો છે તો મારો માડી, જોજે ટકોરે એ તૂટી ન જાય
ઘડીને ઘાટ મૂક્યાં ભવસાગરમાં, જોજે એ તો ડૂબી ન જાય
કાચો ઘડો છે તો મારો માડી, જોજે ટકોરે એ તૂટી ન જાય
પવન તોફાન સહન કર્યાં નથી માડી, એને તું સંભાળજે સદાય
કાચો ઘડો છે તો મારો માડી, જોજે ટકોરે એ તૂટી ન જાય
સંજોગે સહુ મળશે એને માડી, સમયે છૂટી પડશે સદાય
કાચો ઘડો છે તો મારો માડી, જોજે ટકોરે એ તૂટી ન જાય
વરસાદે ભીનો થાશે, વમળે ઘસડાશે, રક્ષણ કરજો સદાય
કાચો ઘડો છે તો મારો માડી, જોજે ટકોરે એ તૂટી ન જાય
ટાઢ તડકા સહન કરતો, ભવસાગરમાં જોજે ફરતો રહે સદાય
કાચો ઘડો છે તો મારો માડી, જોજે ટકોરે એ તૂટી ન જાય
મોજાઓની થપાટો સહન કરતો, માડી જોજે એ ભાંગી ન જાય
કાચો ઘડો છે તો મારો માડી, જોજે ટકોરે એ તૂટી ન જાય
મૂક્યો છે તેં તો તરતો માડી, જોજે એ તારી પાસે પહોંચી જાય
કાચો ઘડો છે તો મારો માડી, જોજે ટકોરે એ તૂટી ન જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)