Hymn No. 591 | Date: 29-Oct-1986
|
|
Text Size |
 |
 |
ઊંડાણ નથી જ્યાં તારા વિચારોમાં, સચ્ચાઈ નથી જ્યાં તારા વર્તનમાં, સૂરો બોદા બોલશે તારા જીવનના નક્કી નથી ધ્યેય તારા જીવનના, રહેશે યત્નો અધૂરા તેને પહોંચવામાં, સૂરો બોદા બોલશે તારા જીવનના ડૂબ્યું રહેશે હૈયું સદા જો કામમાં, રહેશે વિંટળાઈ મનડું સદા ક્રોધમાં, સૂરો બોદા બોલશે તારા જીવનના હટયા નહિ હોય જો કપટ હૈયાના, મિટયા નહિ હોય ભેદભાવ જો દૃષ્ટિમાં, સૂરો બોદા બોલશે તારા જીવનના હશે વીત્યા દિવસ સદા આળસમાં, રહેશે ભર્યો જો દંભ તારા જીવનમાં, સૂરો બોદા બોલશે તારા જીવનના ના કીધા યત્નો કદી મનને સ્થિર કરવા, આંકી ન કિંમત સાચી માનવ જીવનમાં, સૂરો બોદા બોલશે તારા જીવનના દિવસો ઓછા પડશે તને જીવનના, દિવસ જાશે સદા નવું શરૂ કરવામાં, સૂરો બોદા બોલશે તારા જીવનના જીવન વિતાવ્યું હશે જો પાપોમાં, પડશે જરૂર તને દાન દયાના, સૂરો બોદા બોલશે તારા જીવનના ના ગૂંચવાજે વધુ તું માયામાં, જાગ જરા તું, છે સમય જ્યાં તારા હાથમાં, સૂરો બોદા બોલશે તારા જીવનના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|